welcome

સુવિચાર :- જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. સારી વાતનો હંમેશા પ્રથમ મજાક ઉડાવવામાં આવે છે,ત્યારબાદ તેનો વિરોધ કરવામાં આવે છે અને અંતે તો તેનો સ્વીકાર થાય જ છે.

Wednesday 9 May 2012

ફીક્સ વેતનધારકો માટે આંચકાજનક સમાચાર

અમદાવાદ, તા.૧૦
રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી સાવ મામુલી રકમથી સરકારની ફરજ બજાવી રહેલા લાખ્ખો ફીક્સ વેતનધારકો માટે આંચકાજનક સમાચારમાં સુપ્રીમ કોર્ટે આ દરેકને છઠ્ઠા પગાર પંચની ભલામણો મુજબનું લઘુત્તમ વેતન ચુકવવા રાજ્ય સરકારને કરેલા હાઈકોર્ટના આદેશના અમલ સામે આજે જસ્ટિસ ડી.કે. જૈન અને જસ્ટિસ અનિલ આર. દવેની ખંડપીઠે મનાઈ હુકમ ફરમાવ્યો છે. હાઈકોર્ટમાં પીઆઈએલ કરનાર ક્ષી યોગક્ષેમ માનવ સંસ્થાન સંસ્થાને ખંડપીઠે નોટિસ પાઠવી વધુ સુનાવણી આઠ સપ્તાહ બાદ નિશ્ચિત કરી છે.
હાઈકોર્ટે આ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચના લાભનો હુકમ કર્યો હતો
પીઆઈએલ કરનાર સંસ્થાને નોટિસ પાઠવી, આઠ સપ્તાહ બાદ સુનાવણી
આટલા કરોડ રૂપિયાનો બોજ ઉઠાવી શકાય તેમ ન હોવાની સરકારની દલીલ હતી
શ્રીયોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાન તરફથી કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં બબ્બે વખત રાજ્ય સરકારની ફીક્સ વેતનની નીતિને ગેરબંધારણીય અને શોષણાત્મક ગણાવી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. સાથે જ આવા તમામ વેતનધારકોને કમસે કમ છઠ્ઠા પગારપંચની ભલામણ મુજબનું લઘુત્તમ વેતન તેઓ ફરજમાં જોડાય તે સમયથી આપવા અને ઉપરાંત કાયમી કર્મચારીને મળતા હોય તેવા ભથ્થાં અને લાભ આપવાનો આદેશ કર્યો હતો.
રાજ્યમાં લોકરક્ષક, વિદ્યાસહાયક, હોમગાર્ડ સહિતની વિવિધ કેટેગરીમાં સરકારે ૨૫૦૦થી ૪૫૦૦ સુધીના ફીક્સ વેતનથી ભરતી કરેલી છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલી આ ભરતીને બે વર્ષ પૂર્વે પણ આ જ સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.
એ વખતે પણ ચીફ જસ્ટિસ એસ.જે. મુખોપાધ્યાની ખંડપીઠે સરકારની ટીકા કરી તમામને છઠ્ઠા પગાર પંચ મુજબ લઘુત્તમ વેતન ચુકવવાનો આદેશ કર્યો હતો. પરંતુ આ આદેશનું કોઈ જ પાલન ન થતાં પુનઃ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી.
આશ્ચર્યજનક રીતે સરકારે આ આદેશનું પાલન કરવામાં ભારે વિલંબ કર્યા છતાં હાઈકોર્ટ સમક્ષ તેનું પાલન કરવા હજુ વધુ સમય માંગતી અરજી કરી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે યોગક્ષેમ માનવ ગૌરવ સંસ્થાનને વધુ એક વખત જાહેર હિતની અરજી કરવા જણાવી ફરી એક વખત તેની સુનાવણી યોજી હતી. જેના અંતે હાઈકોર્ટના અગાઉના ચુકાદા મુજબ જ રાજ્ય સરકારને આદેશ કર્યો. આ આદેશ થયા બાદ સરકારે તેની સ્પષ્ટતા અને અમલમાં નવ મહિના જેટલો સમય આપવાની માંગ કરતી અરજી કરી. પરંતુ હાઈકોર્ટે તે પણ ફગાવી દીધી.
પરિણામે, રાજ્ય સરકારે આ બંને હુકમોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા. જેમાં એવી દલીલ કરવામાં આવી કે, આટલી મોટી સંખ્યમાં કર્મચારીઓને એકસાથે ચુકવવાની થતી રકમ લાખ્ખો કરોડો રૂપિયામાં થાય છે અને તે ચુકવવાની સરકારની હાલ કોઈ જ ક્ષમતા ન હોવાથી આ હુકમ રદ કરવો. આ માંગ પરની સુનાવણી દરમિયાન કોર્ટે હાઈકોર્ટના હુકમ પર પણ સ્ટે ફરમાવવો જોઈએ તેવી માંગ કરી હતી. જે આજે જસ્ટિસ ડી.કે. જૈન અને જસ્ટિસ અનિલ આર. દવેની ખંડપીઠે ગ્રાહ્ય રાખી હુકમના અમલ સામે મનાઈ ફરમાવી છે.
 'આટલા બધાને રોજગારી તો મળે જ છે ને'
યોગક્ષેમ માનવ સંસ્થાનના રાજેન્દ્ર શુક્લએ જણાવ્યું હતું કે, આજે જ્યારે સુપ્રીમ કોર્ટની ખંડપીઠ સમક્ષ રાજ્ય સરકારની એસએલપી પર સુનાવણી હાથ ધરાઈ ત્યારે હાઈકોર્ટના આદેશ પર સ્ટે ફરમાવતી વખતે ખંડપીઠ તરફથી એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર આટલી મોટી સંખ્યામાં લોકોને રોજગારી પૂરી પાડી રહી છે તે આમાં જોવું જોઈએ. આ વખતે સરકારના નીતિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો તે પણ ખંડપીઠે ધ્યાને લીધો નહોતો.